રાતના અંધારામાં કૌટુંબિક કાકાએ ભૂંડ પર ફાયરિંગ કર્યું, ભૂંડ ભગાવવા દોડેલા ભત્રીજાને ગોળી વાગતા મોત
"Photo Credit:- Divya Bhaskar"
ઝીંઝુવાડાના 65 વર્ષના આધાડે ખેતરનું ટોયાપણું રાખ્યું હતુ. જેમાં રાત્રીના અંધારામાં ભત્રીજા સાથે ખેતરમાં સૂતેલા આધેડે રાત્રીના અંધારામાં આવેલા જંગલી ભૂંડ પર ફાયરીંગ કરતા ભૂંડ પાછળ દોડતા ભત્રીજાને ગોળી વાગતા કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતુ. આ બનાવ અંગે ઝીંઝુવાડા પોલિસે ગુન્હો દાખલ કરી આધેડ આરોપીની અટક કરી છે.
રાત્રીના સમયે ભૂંડનું ટોળું ખેતરમાં આવી ગયું હતું
પાટડી તાલુકાના ઝીંઝુવાડા ગામે રહેતા ઝેણુભા કુબેરસિંહ ઝાલા ( ઉંમર વર્ષ- 65, મેરાણી પાર્ટી )એ પોતાના કૌટુંબિક ભત્રીજા યોગીરાજસિંહ લાલભા ઇન્દુભા કહરસિંહ ઝાલા સાથે ખેતરમાં ટોયાપણાંનુ કામ રાખ્યું હતુ. રવિવારે રાત્રે તેઓ બંને ખેતરમાં સૂતા હતા ત્યારે રાત્રીના અંધારામાં ખેતરમાં જગંલી ભૂંડનું ટોળું આવી જતા ખેતરમાં સૂતેલા ઝેણુભા કુબેરસિંહ ઝાલા સફાળા જાગી ગયા હતા અને પોતાની લાયસન્સ વાળી બંદૂક લેવા દોડી ગયા હતા. એ સમયે એમનો કૌટુંબિક ભત્રીજો યોગરાજસિંહ ઉર્ફે લાલભા ઇન્દુભા ઝાલા ( ઉંમર વર્ષ- 22 ) પણ જાગી જઇ જંગલી ભૂંડને ભગાડવા એની પાછળ દોડ્યો હતો.
ગોળી વાગતા યુવાન ત્યાં જ ઢળી પડ્યો
બીજી બાજુ 65 વર્ષના ઝેણુભા કુબેરસિંહ ઝાલાએ પોતાની લાયસન્સવાળી બંદૂકમાંથી અંધારામાં જંગલી ભૂંડ પર ફાયરીંગ કરતા ગોળી ભૂંડ પાછળ દોડી રહેલા 22 વર્ષના યોગરાજસિંહ ઉર્ફે લાલભા ઇન્દુભા ઝાલાના શરીરમાં વાગતા એ લોહિલુહાણ હાલતમાં ઢળી પડ્યાં હતા. આથી એને ગંભીર હાલતમાં સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલમાં લઇ જવાતા રસ્તામાં જ એમનું પ્રાણ પખેરૂ ઉડી જતા લાશને પોસ્ટ મોર્ટમ માટે પાટડી સરકારી દવાખાને લઇ જવામાં આવી હતી. આ બનાવ અંગે ઝીંઝુવાડા પોલિસે અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી 65 વર્ષના ઝીંઝુવાડાના આધેડ આરોપી ઝેણુભા કુબેરસિંહ ઝાલાની અટક કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ ઝીંઝુવાડા પોલિસ મથકના પીએસઆઇ વી.પી.મલ્હોત્રા ચલાવી રહ્યાં છે. ઝીંઝુવાડામાં જંગલી ભૂંડ પર ફાયરીંગની ઘટનાથી 22 વર્ષના યુવાનનું કમકમાટીભર્યું મોત નિપજવાની ઘટનાથી સમગ્ર પથંકમાં ચકચાર મચી જવા પામી છે.
"News Credit:- Divya Bhaskar"
0 Comments